રાહત:રાંધણગેસના 75 હજાર લાભાર્થીને ગેસના બોટલ 3 મહિના ફ્રી મળશે

ગાંધીનગર4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત
  • જિલ્લાના 37 વિતરકોને સમજ અને સૂચના અપાઇ

કોરોના આફતના પગલે કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત ઘરેલુ વપરાશના રાંધણગેસના બોટલ મેળવતા લાભાર્થીઓને એપ્રિલ, મે અને જુન એમ ત્રણ મહિના સુધી મફત ગેસ બોટલ આપવાની જાહેરાત કરી છે. તેનો લાભ ગાંધીનગર જિલ્લામાં 75 હજાર લાભાર્થીને મળશે. ઇન્ડિયન ઓઇલના અધિકારી વિનિતકુમાર રાવતે જણાવ્યું કે આ હુકમનો અમલ કરવા માટે જિલ્લાના તમામ 37 વિતરકને સુચના અને સમજ આપી દેવામાં આવ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે આગામી 30મી જુન સુધી લાભાર્થીઓને મફત ગેસ બોટલ મળશે અને એકવાર બોટલ મળી ગયાના 15 દિવસ બાદ જ લાભાર્થી બીજી બોટલ નોંધાવી શકશે. બોટલની નોંધણી લાભાર્થીના મોબાઇલ નંબર પરથી અથવા તેના માટે અમલી કરાયેલી મોબાઇલ એપ સહિત ઓનલાઇન સિસ્ટમથી જ થશે.

લોકડાઉન ગાળામાં સેવા દરમિયાન મૃત્યુ થાય તો 5 લાખની સહાય
ઉપરાંત કોઇ સમસ્યાના નિવારણ માટે હેલ્પલાઇન નંબર 1906નો ઉપયોગ કરી શકાશે. કોઇ લાભાર્થીએ હવે ગેસની બોટલ નહીં મળે તેવી દહેશત રાખવાની જરૂર નથી. વધારામાં એલપીજી શોરૂમ, ગોદામના કર્મચારી, મિકેનીક, ડિલીવરી બોય, ડ્રાઇવર જેવા તમામ કર્મચારીઓ જેઓ સેવારત છે, તેમાં કોઇનું કોરોના લોકડાઉન ગાળામાં સેવા દરમિયાન મૃત્યુ થાય તો 5 લાખની સહાય તેના પરિવારજનને આપવાની જાહેરાત કરાઇ છે. કોરોના સહિતની બિમારી માટે સારવાર માટે પોલીસી પણ લેવાઇ છે. કર્મચારીના પરિવારમાં પતિ, પત્ની અને 25 વર્ષની ઉંમર સુધી બાળકોને પણ આવરી લેવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો 1 લાખ સુધીનું વિમા કવચ મળવાપાત્ર થાય છે.